તોખાર….

તેજ છું તોખાર છું,
સત્યનો પ્રહાર છું,
છું ભરેલો આગથી,
સળગતો અંગાર છું!!!
શબ્દ છું વિચાર છું,
કર્મનો પ્રચાર છું ,
છું સમાધિ હું જ મારી,
હું જ તો મઝાર છું!!!
રાગ છું મલ્હાર છું,
સંગીતનો પ્રકાર છું,
તાર ખેંચાવી રહેલી,
‘સ્તબ્ધ’ જૂની ગિટાર છું!!!!!

Advertisements

નાટક ફરીથી કેવા શરુ થઈ ગયા છે,

ધર્મ એવા પાક્યા, કે પરુ થઈ ગયા છે,
આમ તો બની રાવણ ફર્યા આજ સુધી,

ખુદાના નામે ઘડીક ગભરુ થઈ ગયા છે,
બેસાડશે જમાડશે રમાડશે ઉઠાડશે,

નખરાં નકામા સૌ શ્રધ્ધા નામે કરાવશે,
ચડસા ચડસી વધી છે કેટલી હદે કે,

માનવ મટી સૌ વરુ થઈ ગયા છે…
સ્તબ્ધ

દબાવી રાખ્યા છે એમ કે સૌ તને જ પૂજ્યા કરે,

મનુઓ બનાવ્યા એવા કે કશું ન એને સૂઝ્યા કરે,

લડ્યા કરે ઝઘડયા કરે એકબીજા સાથે તારા નામે,

ઈશ્વર ,સૌ ગરીબડી ગાય તારી, તું એને દુજ્યા કરે…
સ્તબ્ધ

એમ કંઈ તારો મને ડર નથી લાગવાનો,

માંગશે ભીખ બધા , હું નથી માંગવાનો,

હું જીવું છું મારી ખુમારીની સાથે,

હું રાહમાં છું તારી, નથી ભાગવાનો….

જો ગણો આને તોફાન ,

મને તોફાની ગણી લેજો,

નથી ત્યાં અલ્લા કે ભગવાન,

વાત એ નાની ભણી લેજો,

હજી કાયમ છું એ સમજમાં,

ભલે વરસે પત્થર મુજ પર,

છેવટે માણસાઈને માટે,

મારી કુરબાની ગણી લેજો…

સ્તબ્ધ

એ વિચાર તું ઈશ્વર હવે જરાકર,

આપ્યા છે નસીબ સૌને બરાબર?

નાટક તારું લખેલું ભજવે છે સૌ,

કયારેક તો હવે પુરસ્કાર અદાકર!

બેવફા તો નીકળે આ જગના માણસો,

તને તો ખુદા કહે છે તું તો વફાકર,

ને મજા આવતી હોય તને આમજ,

તો સુધર , બંધ આવી મજાકર….

કહું છું ક્યારનો સૌને,

હું ખોટા સરનામે છું,

ખુદા ડરતો નથી તુજથી,

ઉભો હું તારી સામે છું,

સ્તબ્ધ

વિચાર જરા વહેલો વિખાઈ ગયો,

શબ્દ બન્યા પહેલાં પિંખાઈ ગયો,

જીંદગીનો એકડો ઘુંટતા ઘુંટતા ,

આ બગડો પહેલાં શીખાઈ ગયો.