જળ

કશે વહેતી નદી થઈને પહાડોથી લપસ્યું છે,
કશે ભેગું થયું છે ને જળાશય એ જ બન્યું છે,

ભરોસો છે નહીં એનો છતાં એ વાત છે સાચી,
કશે એ કાળની માફક બનીને પૂર ધસ્યું છે,

કદી અદ્રશ્ય બન્યું તાપની સાથે મળીને એ,
અને આકાશમાં વાદળની અંદર જઈને વસ્યું છે,

કરે છે વાત સાથે મિત્રતા એવી પછી તો એ,
અને મેઘો બનીને એ ધરા ઉપર વરસ્યું છે,

નથી નેઠા કદી એના અહીં બસ એ જ કારણથી,
જગતમાં ક્યાંક છે તૃપ્તિ અને કોઈ તરસ્યું છે.

સ્તબ્ધ – કૌશલ શેઠ

ફસાયો છું

નહીં કોઈ અહીં બસ હું જ મારા પર છવાયો છું,
ભલે હું એક દેખાતો, સવાયાથી સવાયો છું,

બધે છે બોલબાલા કેમ મારી એ હું જાણું છું,
જમાનાની આ રીતોથી, ખરેખર હું ઘવાયો છું,

જગતની વાત આવે તો મને એવું જ લાગે છે,
નથી આ કામનું મારા , પરાણે હું લવાયો છું,

મને એ છેતરાતો જોઈને સઘળાં ભલે હસતાં,
અહીં કાયમ હું જાણી જોઈને પણ છેતરાયો છું,

હવે કઠણાઈ પણ આ “સ્તબ્ધ”ની તમને કહું તો,
અહીં “હું”માંથી નીકળીને,ફરી “હું”માં ફસાયો છું.

ઉડાન

ભલે હો પાંખ આ નાની,
ઉડાન ઊંચી જ ભરવાની…

અટકવું ક્યાં જરા જોજે,
બીજી ચિંતા શું કરવાની?

અહીં સંસાર સાગર છે,
તું કર તરકીબ તરવાની,

જીવી લે મોજમાં જીવન,
ન કર તું વાત મરવાની,

અરે ઓ પર્ણ ડાળીનાં,
ન જોજે વાટ ખરવાની,

ફરે છે જેમ આ દુનિયા,
સદા છે એમ ફરવાની,

જરુરત “સ્તબ્ધ”થઈ તારે,
કશાથી છે ન ડરવાની….

કવાયત નવી છે

અહીં આવતી રોજ આફત નવી છે,
કિસ્સા પુરાણા ને બાબત નવી છે,

બધી આદતોને હવે ભૂલવાની ,
હજી તો અમારી આ આદત નવી છે,

તબીબો હવે જામ દેતા થયા આ,
અહીં રોગ જૂના ને રાહત નવી છે,

જમાનાના લોકો બગડ્યા છે કેવા,
નવા રોજ ઈશ્વર ઈબાદત નવી છે,

હવે જિંદગીમાં નવું કંઈ નથી બસ,
અહીં આ અમારી શરાફત નવી છે,

ગઝલના વિષયને હવે કેમ બદલું?
વિચારો જૂના છે,ને દાનત નવી છે,

થવું “સ્તબ્ધ” અઘરું પડે છે હવે તો,
ફકત રીત જૂની કવાયત નવી છે.

સ્તબ્ધ- કૌશલ શેઠ

ટોળે વળ્યા છે

અહીં શમણાંઓ સૌ ભેગા મળી ટોળે વળ્યા છે,
ઘણાંયે ઓરતાં આવી અને એમાં ભળ્યા છે,

ઘડીમાં એમ પલટાવી દીધી બાજી અમારી,
નસીબે પણ અહીં અમને જૂઓ કેવા છળ્યા છે,

કરુણા કે દયા જેના હ્રદયમાં હોય ધમધમતી,
અહીં પર માનવી એવા ઘણાં ઓછા મળ્યા છે,

નથી લાંબી બની યાદી અમારી મિલ્કતોની પણ,
અમે મિત્રો અહીં આવી જગતમાં ખૂબ રળ્યા છે,

બનીને “સ્તબ્ધ” ચર્ચાઈ જવાયું છે હવે જગમાં,
મને આ આખરે તકદીર મારા એમ ફળ્યા છે.

સ્તબ્ધ – કૌશલ શેઠ

આપણે

છે અધૂરી જિંદગી અડધા અધૂરા આપણે,
રોજ કરીએ રોજનાં સૌ કામ પૂરા આપણે,

એટલું સમજી શકાયું જોઈને જીવન અહીં,
છે અહીં કિસ્મત મદારી ને જમૂરા આપણે…

સ્તબ્ધ

દર્પણ નડે છે

કદી આ જગતમાં સમર્પણ નડે છે
કદી સત્યનો એક દર્પણ નડે છે,

છકી જાય છે માનવી ખૂબ સારા,
અતિશય થયેલી કદર પણ નડે છે,

કશે મિત્રતાથી ટકી જાય માણસ,
કશે દોસ્તીની અસર પણ નડે છે,

બગાડે છે જીવન કદી અંધતા પણ,
કદી ખૂબ સારી નજર પણ નડે છે,

બધે જો વિરોધોની ભરમાર ચાલે,
નડે આ જગત એમ ઘર પણ નડે છે,

અને હોય મંઝિલ ખરેખર નકામી,
પછી જિંદગીમાં સફર પણ નડે છે,

લખીને નડે “સ્તબ્ધ” જગને આ કાયમ,
કદી એ લખાણો વગર પણ નડે છે…

સ્તબ્ધ- કૌશલ શેઠ

તમાશા પછી શું?

આ ઊંડા ને લાંબા નિસાસા પછી શું?
હ્રદયમાં વસેલી નિરાશા પછી શું?

સમય છેતરે જ્યાં સતત જિંદગીને,
બધાની નકામી આ આશા પછી શું?

તકલીફ જ્યાં ઘર બનાવીને બેઠી,
આ ક્ષણભરનાં થોડાં દિલાસા પછી શું?

દિવસભર અવાજોના પડઘાની વચ્ચે,
મળે મૌનની એક ભાષા, પછી શું?

રમવી પડે છે રમત જ્યાં પરાણે,
અવળા પડી જાય પાસા પછી શું?

વિચારી રહ્યાં છે અહીં “સ્તબ્ધ” સઘળાં,
આ જીવન ને એના તમાશા પછી શું?

—સ્તબ્ધ—

ઘણું મથવું પડે

આ જગતમાં જાતને મળવા ઘણું મથવું પડે,
ને અકડ છોડી બધી વળવા ઘણું મથવું પડે,

પંથ લાંબો કાપવામાં થાક પણ લાગે નહીં,
ને કદી ડગ બે અહીં ખસવા ઘણું મથવું પડે,

દૂરથી દેખાય જળ એ જળ નથી હોતા બધા,
ઝાંઝવાને એ બધા અડવા ઘણું મથવું પડે,

આ સમયનો પણ અહીં નેઠો કદી હોતો નથી,
યુગ વીતે પળમાં કદી ક્ષણમાં ઘણું મથવું પડે,

ખૂબ સહેલું લાગશે ચઢવાનું ઊંચા પર્વતે,
ટોચ પર પહોંચ્યા પછી ટકવા ઘણું મથવું પડે,

હા, લડી લેવું બધાં સાથે ઘણું આસાન છે,
જાત સાથે “સ્તબ્ધ”ને લડવા ઘણું મથવું પડે.

સ્તબ્ધ- કૌશલ શેઠ

રામ

કામથી કામ રાખો તો ઘણું છે,
ને મનમાં હામ રાખો તો ઘણું છે,

બને તો બંધ સૌ નાટક કરી દો,
હ્રદયમાં રામ રાખો તો ઘણું છે,

સ્તબ્ધ

Create a free website or blog at WordPress.com.

Up ↑